રાજ્યસભામાં કૃષિ અંગેના બિલનો વિરોધ કરતી વખતે હોબાળો થયો હતો. એમાં આઠ સાંસદોએ સંસદના નિયમો તોડયા હોવાનું કહીને સભાપતિ વૈંકેયા નાયડુએ આઠેય સાંસદોને એક સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ થયેલા સાંસદોએ સંસદ પરિસરમાં દેખાવો કર્યો હતા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુએ આઠ વિપક્ષી સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રેઈન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કોંગ્રેસના રાજીવ સાતવ, સૈયદ નાસીર હુસૈન, રીપૂન બોરા અને સીપીએમના કેકે રાગેશ તેમ જ એલમરાન કરીમ – એમ આઠ વિપક્ષી સાંસદોને સંસદમાં ગેરવર્તન કરવાના આરોપ હેઠળ આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.
એ મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. સસ્પેન્ડ થયેલા વિપક્ષી સાંસદોએ સંસદ પરીસરમાં જ ધરણાં કર્યા હતા અને ભાજપની સરકાર લોકશાહીની હત્યા કરી રહી હોવાના બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ચાદર અને તકિયો લઈને સરકાર સામે દેખાવો કર્યા હતા.
સભાપતિ વૈંકેયા નાયડુએ સાંસદોના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરીને આકરી ટીકા કરી હતી. નાયડુએ ઉપસભાપતિ હરિવંશ સામે વિપક્ષોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો તેને પણ રદ્ કર્યો હતો. અગાઉ ઉપસભાપતિ હરિવંશ સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકીને કાર્યવાહીની માગણી કરી હતી.
સાંસદોના સસ્પેન્ડ થયા મુદે સંસદગૃહમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વિપક્ષના સાંસદોએ સભાપતિને વિવિધ નિયમો ટાંકીને વિરોધ કરનારા સાંસદો સામે આકરા પગલાં ભરાયા હોવાનું કહીને વિરોધ નોંધાવ્યો હતો. ભારે ઉગ્ર ચર્ચા વચ્ચે સભાપતિ વૈંકેયા નાયડુએ રાજ્યસભાને એક દિવસ માટે સૃથગિત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સસ્પેન્ડ થયેલા સાંસદોએ સંસદગૃહ છોડયું ન હતું. એવું કરીને આ સાંસદોએ લોકશાહીના નિયમો તોડયા છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે માર્શલ સાથે ગેરવર્તન કરીને સંસદગૃહની ભવ્ય વિરાસતને તોડનારા સાંસદોએ સભાપતિનો આદેશ ન માનીને ફરીથી લોકશાહીના નિયમો તોડયા હતા.