ભારત-ચીન વચ્ચેના ટ્રેડવોરમાં સુરતના હીરા ઉદ્યોગકારો ટાર્ગેટ, ચીની સરકારે નોટીસ ફટકારી

શેર કરો

ચીનના કસ્ટમ વિભાગે ઝડપી પાડેલા દાણચોરીના રેકેટમાં સુરતના ઉદ્યોગકારની પણ પૂછપરછ થવાની શક્યતા રહેલી છે. કારણ કે ચીનમાં ઝડપાયેલા દાણચારીના હીરામાં મૂળ ભાવનગરના વતની અને સુરતમાં હીરાનો વ્યવસાય કરનારના પણ હીરાના પેકેટ મળી આવ્યા હોવાની ચર્ચા સમગ્ર દિવસ દરમિયાન સુરતના હીરાઉદ્યોગકારોમાં ચાલી રહી છે.

હોંગકોંગ અને ચીન વચ્ચે હીરાના પેકેટ આપ-લેની કામગીરી ચીનની કુરિયર કંપનીના માધ્યમથી જ કરવામાં આવતી હોય છે. જ્યારે 3750 કરોડના હીરાની દાણચોરીમાં 121 શંકાસ્પદ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં સુરતના એક ઉદ્યોગકારનું પણ હીરાનું પેકેટ મળી આવ્યું હોવાનું કહેવાય છે. જેથી આગામી દિવસોમાં હોંગકોંગ ખાતે આવેલા સુરતના હીરાઉદ્યોગકાર સાથે સંકળાયેલાની પૂછપરછ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત હીરા ઉદ્યોગમાં એવી પણ ચર્ચા શરૂ થઇ છે કે હીરાની દાણચોરીનું રેકેટ ચીનમાં ઝડપાયા બાદ આગામી એક મહિના સુધી હોંગકોંગમાં હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલાઓએ એક મહિના સુધી સ્વૈચ્છિક રીતે કામગીરી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હોવાની પણ વિગતો જાણવા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે ચીનની સરકારે હીરાના ઉદ્યોગકારોને દાણચોરી કરી હોવાના ઓથા હેઠળ પરેશાન કરવાનું શરૂ કર્યુ છે. તેના લીધે ભારત સરકારનું નાક દબાવી શકાય તે પ્રમાણેની કાર્યવાહી ચીનની સરકાર કરી રહી હોવાની ચર્ચા પણ હીરા ઉદ્યોગકારોમાં ચાલી રહી છે.

ભૂતકાળમાં પણ આજ રીતે ચીનની સરકારે હીરાના ઉદ્યોગકારોને પરેશાન કરીને તેઓની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી કરી હતી. તે જ પ્રમાણે હાલ તો તમામ સામે ચીનની સરકારે શંકાની સોય ઊભી કરીને પૂછપરછ શરૂ કરી છે. આ પૂછપરછ બાદ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ચીન અને હોંગકોંગમાં દરોડાની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

50 ભારતીય કંપનીને ચીનની સરકારે નોટીસ ફટકારી

હીરાની દાણચોરીની ચીનમાં ચાલી રહેલી તપાસમાં 50 ભારતીય કંપનીને નોટીસ ફટકારી હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ વાતને સત્તાવાર સમર્થન હિરા ઉધોગકારો પાસેથી મળ્યુ નથી. પરંતુ નોટીસમાં એવુ પણ જણાવવામાં આવ્યુ છે કે વર્ષ 2015થી અત્યાર સુધીના તમામ વ્યવહારો રજુ કરવા પડશે.

તેમજ કેટલા રૂપિયાનો ટેક્સ ભરવામાં આવ્યો છે તેની પણ જાણકારી પુરાવા સહિત રજુ કરવા માટે અલ્ટીમેટમ અપાયુ છે. જો હીરા ઉદ્યોગકારો આ હિસાબો રજુ કરવામાં નિષ્ફળ જશે, તો આગામી દિવસોમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવે તેવુ નોટીસમાં જણાવી દેવામાં આવ્યુ છે. જેના લીધે હિરા ઉદ્યોગકારોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

ભારત ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો શિકાર હિરા ઉધોગકારોને બનાવ્યા

ભારત અને ચીન વચ્ચે આવેલી સરહદ પર ઘર્ષણ વધતા ભારત સરકારે ચીનની કંપનીઓ સામે આકરા પગલાં ભરવાનુ શરૂ કર્યુ છે. તેમજ ચીનની અનેક એપ્લીકેશન પણ બંધ કરવાની જાહેરાત કરી છે. ચીનની કંપનીઓ સામે ભારત સરકારે કાર્યવાહી શરુ કરતા તેની જવાબી કાર્યવાહીમાં હિરા ઉદ્યોગકારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

કારણ કે ચીન અને હોંગકોંગમાં સુરત, મુંબઇના અનેક ઉધોગકારોના યુનિટ આવેલા છે. તેમજ ત્યાંથી જ હિરાની રફ અને તૈયાર કરાયેલા હિરાનો વેપાર પણ કરવામાં આવતો હોય છે. જેથી હિરા ઉદ્યોગકારો સામે ચીન સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ભારત સરકારને તેની સીધી અસર પડે તેમ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી રહ્યાની પણ ચર્ચા થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *