ગ્રીષ્માની અંતિમયાત્રામાં સ્વયંભૂ જોડાયા લાખો લોકો, હત્યારાને ફાંસી આપવા લોકોની માગ

શેર કરો

આપ સૌ જાણો જ છો કે સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે(ફેનિલ) બધા લોકોની વચ્ચે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેનો વિડીયો બહાર આવતા જ આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે.

બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા છે.

ગ્રીષ્માની અંતિમયાત્રામાં લાખો લોકોની માનવમેદની ઉમટી પડી છે. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ છે. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતાં. ઘરની બહાર નીકળીને લોકોએ ગ્રીષ્માના પાર્થિવ દેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી પણ માંગ લોકોએ કરી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.

ભાઈએ અગ્નિદાહ આપ્યો

ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં ગ્રીષ્માની યોજાયેલી અંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હ

ફાંસીની માગ કરાઈ

સ્મશાનમાં આવેલા લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી.

દીકરીઓ સલામત ન હોવાનું કહેતા લોકોએ કહ્યું કે, દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે તે માટે આકરી સજા થાય તે જરૂરી છે. સુરત બોડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે.

બે કિલોમીટર લાંબી લાઈન લાગી

સ્મશાન યાત્રામાં લોકો બાઈક અને કાર સહિતના વાહનોમાં જોડાયા હતાં. જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક તરફથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પાસોદરા ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્મશાનમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.

કામરેજ, સરથાણા, કાપોદ્રા, વરાછા અને કતારગામ અને ટ્રાફિકના તમામ સેક્ટરને જે તે વિસ્તારની પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.આ વિસ્તારના એસીપી, ડીસીપી, અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી.સ્મશાન લઈ જવાતા રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.

શું હતી આખી ઘટના?

12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી.

એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ફેનિલની ચોરીના ગુનામાં થઈ ચૂકી છે ધરપકડ

કામરેજની યુવતીની ઠંડા કલેજે હત્યા કરનાર ફેનિલ ગોયાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગત વર્ષે જ ફેનિલે કતારગામ વિસ્તારમાં ઈનોવા કારની ચોરી કહી હતી. જે બાદ કતારગામ પોલીસે ફેનિલની ચોરીના ગુનામાં ધરપકડ પણ કરી હતી. આ સિવાય ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.

માતા દીકરીના મોતથી અજાણ

ગ્રીષ્માનાં માતા વિલાસબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. પિતા નંદલાલભાઈને પહેલા ભાઈનો અકસ્માત થયો હોવાનું કહી સુરત આવવા કહ્યું હતું. જોકે ત્યાર બાદ દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. પિતા આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી છે.

દીકરીની હત્યાથી અજાણ માતા જાગે એટલે રાડો પાડે છે

આખી ઘટનાથી માતા અજાણ છે, જાગે એટલે ગ્રીષ્મા ચાલ ઘરમાં, પોતા મારી દે, ઘરકામ પત્યું કે નહીં, એવી રાડો પાડે છે. દવા પીવડાવી સૂવડાવવા પડે છે. દીકરીને નજર સામે ગળું કપાતા જોઈ માતાની ખૂબ જ આઘાત લાગ્યો છે. કોઈની હિંમત નથી ચાલતી કે એમ કહીએ ગ્રીષ્મા નથી રહી. ભગવાન આ આઘાતમાંથી નીકળવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના કરીએ છીએ.

હર્ષ સંઘવીએ પરિવારને ન્યાયની ખાતરી આપી

અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે એના માટે હૈયા ધરપત આપી હતી. હર્ષદ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે.

ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી મજબૂત પુરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે, જે દાખલારૂપ બેસી શકે. એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ફેસબુક ઉપર જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *